<$BlogRSDUrl$>
week in blog

Don't Buy It Before You PriceSCAN It!
Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી

Wednesday, January 18, 2006

January 18th, 2006 

ઉમાશંકર જોશી - ગીત અમે ગોત્યું

January 18th, 2006

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે, કે ગીત અમે …
અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે, કે ગીત અમે …
અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે, કે ગીત અમે …
અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે, કે ગીત અમે …
અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે, કે ગીત અમે …
અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …

- ઉમાશંકર જોષી (Umashankar Joshi - Geet aame gotayu. Poems in Gujarati. Literature and art site)

રમેશ પારેખ - તમને ફૂલ દીધાનું યાદ

January 16th, 2006

(ખાસ ડૉ. વિવેક ટેલર્ના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

રમેશ પારેખના ગીતો ગુજરાતી ભાષાનો જાણે આત્મા છે. 1968 ની સાલ માં લખાયેલું ‘તમને ફૂલ દીધાનું મને યાદ’ કાવ્ય રમેશ પારેખ ની કેટલીક સર્વકાલીન શ્રેષ્ઠ રચનાઓમાંનું એક. દરેક કવિ પોતાની કૃતિને લાડલા સંતાનની પેઠે ચાહે છે. ચાહતની આ પરાકાષ્ઠાનું અદભૂત ઉદાહરણ એટલે છે…..ક અગિયાર વર્ષ બાદ પોતાની લોકલાડીલી કવિતાનું ગીતમાં રૂપાંતરણ. બંને કવિતા અને ગીત આ સાથે આસ્વાદાર્થે અહીં બીડ્યાં છે.

કાવ્ય

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં
તરે પવન ના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
(27-9-68)

( કાવ્યનું રૂપાંતર ગીતમાં )

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ
કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ
ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ
ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
(10-5-79)

- રમેશ પારેખ (Ramesh Parekh - Tamne Phhool Aapiya nu yaad. Poems in Gujarati. Literature and art site)

અનામી - આમંત્રણ

January 15th, 2006

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ આમંત્રણ મોકલવા બદલ)

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી

શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભલગ્ન

શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે

તા. ૧૪ જાન્યુઆરી ૨૦૦૬ ના રોજ નિર્ધાર્યા છે.

તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વૃદ્ધિ કરશોજી….

વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે.

- અનામી (Aanami - Aamantran. Ramuj / Humor in Gujarati. Literature and art site)

કૃષ્ણ દવે - શિક્ષણ ???

January 14th, 2006

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

- કૃષ્ણ દવે (Krushna Dave - Shikshan. Poems in Gujarati. Literature and art site)

હર્ષદ ત્રિવેદી - કાંકરી ખૂંચે છે

January 11th, 2006

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ, અને મારામાં કાંકરી ખૂંચે છે !
પાંપણ ઢળે તો કહે અંધારું કેમ? અને મારામાં કાંકરી ખૂંચે છે !

એકાંતે હોય તોય એકલાં નહીં, ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય, તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;
કોઇ બારણું અધૂકડું ખોલી કહે આવ, અને અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી બે કાંઠે છલકાતું આખું તળાવ, અને મારામાં કાંકરી ખૂંચે છે !

મળવાનું સહેલું પણ ભળવાનું અઘરું, ને ખોવાવું એ જ ખરો ખેલ !
ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર, ક્યાંક મળવાનો એવો પણ છેલ !
કોઇ માંડે છે મધરાતે મીઠી રમત, અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી ખીણમાં ધકેલાતો આખો વખત, અને મારામાં કાંકરી ખૂંચે છે !

ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) - દિવસો જુદાઈના જાય છે

January 8th, 2006

ગની દહીંવાલા / Gani Dahiwala(ખાસ ડૉ. વિવેક ટેલર્ ને આભારી છીએ આ ગઝલ અભિપ્રાયમાં મોકલવા બદલ)

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

- ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) (Gani Dahiwala - diwaso joodai na jai chhe. Ghazal in Gujarati. Literature and art site)

ડૉ. વિવેક મનહર ટેલર - છૂટ છે તને

January 7th, 2006

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

- ડૉ. વિવેક મનહર ટેલર (Dr. Vivek Tailor - Chhut chhe tane. Ghazal in Gujarati. Literature and art site)

અમૃત ‘ઘાયલ’ - મને ગમે છે

January 6th, 2006

(ખાસ ડૉ. વિવેક ટેલર્ ને આભારી છીએ આ ગઝલની સંપુર્ણ રચના અભિપ્રાયમાં મોકલવા બદલ)

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે.

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મે રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

-અમૃત ‘ઘાયલ’ (Amrut Dhayal - Mane Gamae chhe. Ghazal in Gujarati. Literature and art site)

કૃષ્ણલાલ શ્રીધરાણી - કૂકડો

January 2nd, 2006

અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર ! … અમે

સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે

નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે

પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે

જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે

- કૃષ્ણલાલ શ્રીધરાણી(Krushnalal shree Dharani - kookdo / kukdo. Bal geet, prebhatiya, Poems in Gujarati. Literature and art site)


This page is powered by Blogger. Isn't yours? Site Meter

what blogs are good for, aside from ego expression... Sort of like putting your face, life story and personal opinions on a milk carton so other people can see them.